નમસ્કાર ખેડૂત મિત્રો આપ સર્વોનું ખેડૂત હેલ્પ બ્લોગ પર સ્વાગત છે. કેવું રહેશે જો તમે જાતે જ પાકનું નિરીક્ષણ કરી તેમાં રહેલ પોષક તત્વોની ખામી વિશે જાણકારી મેળવી શકો, હવે ક્યાં પોષકતત્વોની પાકને જરૂર છે. તો આજના આ લેખમાં હું તમને એ જ જણાવવા જઈ રહ્યો છું કે પાકનું નિરીક્ષણ કરી લક્ષણો પરથી પાકમાં ક્યાં પોષકતત્વોની ખામી છે તે કેવી રીતે જાણી શકાય?
પોષકતત્વોની ખામી ની જાણકારી મેળવવા માટે આપણે છોડને ચાર વિભાગમાં વહેંચીશું.પાક ભલે કોઈપણ હોય.
• જુના પાન
• નવા પાન
• મધ્ય ભાગના પાન
• કૂપળ
છોડના આ ચાર ભાગ પૈકી ક્યાં ભાગમાં લક્ષણ જોવા મળી રહ્યા છે, તે પરથી છોડમાં ક્યાં પોષકતત્વની ખામી છે તેની સચોટ માહિતી મેળવી શકાય.
1.જુના પાન
જૂના પાન એટલે કે છોડના નીચેના ભાગના પાન પર નીચે દર્શાવેલ ૫ પોષકતત્વોની ખામીના લક્ષણો જોવા મળે છે.
I. નાઇટ્રોજન
II. ફોસ્ફરસ
III. પોટેશિયમ
IV. મેગ્નેશિયમ
V. મોલિબ્ડેનમ
I.નાઇટ્રોજન
કાર્ય
• નાઇટ્રોજન છોડની ઝડપી વૃદ્ધિ કરે છે.
• છોડના પાન ઘાટા લીલા બનાવે છે.
• પોટાશ, ફોસ્ફરસ અને બીજા પોષકતત્વોના વપરાશને નિયંત્રણ કરે છે.
• મૂળ, પ્રકાંડ(છોડ ની દાંડલી) અને પાન ની વૃદ્ધિ કરે છે.
ઉણપના લક્ષણો
• છોડના જૂના પાન પીળા પડે છે.
• મૂળિયાં નબળા પડી જાય છે તથા નિરીક્ષણ કરતા રાતા બદામી રંગના દેખાય છે.
• છોડ આછા લીલા રંગનો દેખાય.
• શરૂઆતની અવસ્થામાં છોડ ના પાન માત્ર પીળા પડે છે, ત્યારબાદ સુકાઈ ગયા હોય તેવા થઈ જાય છે.
ઉપાય
• યુરિયા તથા અન્ય નાઇટ્રોજન યુક્ત ખાતરો જમીનમાં આપવા
• વાવેતર પહેલા 3 ટ્રેકટર/એકર સારું કોહવાયેલ છાણીયું ખાતર આપવાથી નાઇટ્રોજન કમી ને નિવારી શકાય છે.
II.ફોસ્ફરસ
કાર્ય
• છોડમાં ફૂલ,ફળ અને બીજ બનાવવામાં મદદ કરે છે.
• મૂળનો વિકાસ સારો થાય તથા પ્રકાંડ(દાંડલી)ને મજબૂત બનાવી છોડને ઢળતો અટકાવે છે.
• છોડમાં કોષોના વિભાજન તથા ચરબીના સંશ્લેષણમાં ફોસ્ફરસ ઉપયોગી છે.
ઉણપના લક્ષણો
• છોડના નીચેના પાન રતાશ પડતા બદામી થઈ જાય અથવા પાનની કિનારીઓ જાંબુડિયા રંગની જોવા મળે છે.
• છોડના પાન છાંકડા થઈ જાય.
• છોડના ની નીચેના પાન ઘેરા લીલા રંગના થઈ જાય.
ઉપાય
• ફોસ્ફરસ યુક્ત ખતરો જમીનમાં આપવા દા.ત,-સુપર ફોસ્ફેટ
• વાવેતર પહેલાં જમીનમાં પ્રતિ એકર 3 ટ્રેકટર સારું કોહવાયેલ છાણીયું ખાતર આપવાથી ફોસ્ફરસની ખામી નિવારી શકાય છે.
III.પોટેશિયમ
કાર્ય
• પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અને કાર્બોહાઈડ્રેટના સંશ્લેષણ માં ખાસ જરૂરી છે.
• પાકના ઉત્પાદનમાં વધારો કરે છે.
• છોડમાં પાણીની જાળવણી કરે છે, રોગ-જીવાત તથા પાણીની અછત સામે પ્રતિકારક શક્તિ આપે છે.
• તેલંબિયા પાકોનાં બીજમાં તેલના ટકાનો વધારો કરે છે.
ઉણપના લક્ષણો
• જુના પાનની કોર રતાશ પડતી બદામી દેખાય અને પાન સુકાઈ જાય છે.
• પાનની કિનારી સફેદદેખાય, પાન પર શિરાઓ વચ્ચે ત્રાંબા કલરના ટપકાં અથવા પટ્ટા જોવા મળે.
• પાનની કિનારીઓ નીચે તરફ વળી જાય છે.
ઉપાય
• જમીનમાં પોટાશ યુક્ત ખતરો આપવા
દા.ત, મ્યુરેટ ઓફ પોટાશ
• સારું કોહવાયેલ છાણીયું ખાતર 3 ટ્રેકટર/એકર વાવેતર પહેલા આપવાથી પોટાશની કમી નિવારી શકાય છે.
IV.મેગ્નેશિયમ
કાર્ય
• બધા પોષકતત્વો પૈકી મેગ્નેશિયમ હરિતકણ બનાવવામાં સીધો ભાગ ભજવે છે.
• પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ છે.
• તે છોડમાં ફોસ્ફરસની હેરફેર કરે છે.
ઉણપના લક્ષણો
• છોડના જુના પાનમાં શિરાઓ વચ્ચેનો ભાગ રતાશ પડતો લાલ દેખાય.
• મુખ્ય શીરા પીળા રંગની દેખાય.
• પાન પર નારંગી લાલ રંગના ટપકા જોવા મળે.
ઉપાય
• જમીનમાં મેગ્નેશિયમ યુક્ત ખાતરો આપવા
દા.ત, મેગ્નેશિયમ સલ્ફેટ
• સારું કોહવાયેલ છાણીયું ખાતર 3 ટ્રેકટર/એકર વાવેતર પહેલા આપવાથી પોટાશની કમી નિવારી શકાય છે.
V.મોલિબ્ડેનમ
કાર્ય
• છોડમાં નાઇટ્રોજનની હેરફેર કરે છે.
• બીજનું કદ વધારવામાં ઉપયોગી છે.
ઉણપના લક્ષણો
• પાનની કિનારી ઉપર તરફ વળેલી જોવા મળે છે.
• પાનનો છેડાનો ભાગ ચાબુક જેવો વળેલો જોવા મળે, પાન કોકડા વળી જાય.
• પાન પીળાશ પડતા જોવા મળે, પાન પર ભૂખરા ચાંદા જોવા મળે
• અસરગ્રસ્ત ડાળી નીચે ગુંદર જેવો ચીકણો રસ જરે.
ઉપાય
• જમીનમાં મોલિબ્ડેનમ યુક્ત ખાતરો આપવા
દા.ત, એમોનિયમ મોલિબ્ડેટ
2.નવા પાન
નવા પાન એટલે કે છોડના ઉપરના(નવા ફૂટેલા પાન) ભાગના પાન પર નીચે દર્શાવેલ ૪ પોષકતત્વોની ખામીના લક્ષણો જોવા મળે છે.
I. આયર્ન/ફેરસ/લોહ
II. મેંગેનીઝ
III. કોપર
IV. સલ્ફર
I.આયર્ન
કાર્ય
• ક્લોરોફિલ અને પ્રોટીન નિર્માણમાં મદદ કરે છે.
• શ્વસન ક્રિયામાં ઓક્સિજનનું વહન કરે છે.
• છોડને અન્ય તત્વો ગ્રહણ કરવામાં મદદ કરે છે.
• છોડને વૃદ્ધિ અને ફલિનીકરણમાં મદદરૂપ છે.
ઉણપના લક્ષણો
• ઉપરના કુમળા પાન પીળાશ પડતા ફિક્કા જોવા મળે અથવા પાન સફેદ થઈ જાય.
• આંતર શિરાઓ પીળી અને મુખ્ય શિરાઓ લીલા રંગની જોવા મળે
• છોડની વૃદ્ધિ અટકી જાય છે.
ઉપાય
• જમીનમાં આયર્ન યુક્ત ખાતરો આપવા
દા.ત, ફેરસ સલ્ફેટ
II.મેંગેનીઝ
કાર્ય
• પ્રકાશ અને અંધારાની અવસ્થામાં પાન કોશિકાઓમાં થતી ક્રિયાને નિયંત્રણમાં રાખે છે.
• પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ છે.
ઉણપના લક્ષણો
• નવા પાન પીળા દેખાય, પાનની તમામ નસો લિલી રહે, પાન ચિતરકાબરૂ દેખાય.
• ગંભીર રીતે પ્રભાવિત પાન ભૂરા થઈ અને સુકાઈ જાય છે.
ઉપાય
• જમીનમાં મેંગેનીઝ યુક્ત ખાતરો આપવા
દા.ત, મેંગેનીઝ સલ્ફેટ
III.કોપર
કાર્ય
• છોડમાં શ્વસન ક્રિયાનું નિયમન કરે છે તથા પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ છે.
• ફળનો વિકાસ સારો થાય છે.
ઉણપના લક્ષણો
• પાનની છેડાની ટોચ સફેદ સુકાઈ ગયેલ જોવા મળે.
• પાનની ડાળી નીચે તરફ વળેલ દેખાય.
• પાન કરમાઈ અને સુકાઈ જાય, પાન જલ્દી તૂટી જાય અને ખરી પડે.
• પાન ફાટી જાય.
• લીંબુ માં ગુંદરિયો રોગ એ કોપરની કમી દર્શાવે છે.
ઉપાય
• જમીનમાં કોપર યુક્ત ખાતરો આપવા
દા.ત, કોપર સલ્ફેટ
IV.સલ્ફર
કાર્ય
• નાઇટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર કરે છે.
• પાક ઉત્પાદનમાં સુધારો કરે છે.
• બીજમાં તેલનું પ્રમાણ વધારે છે.
ઉણપના લક્ષણો
• સલ્ફરની ઉણપના લક્ષણો નાઇટ્રોજનની ઉણપના લક્ષણો જેવા હોય છે, સલ્ફરમાં આ લક્ષણો ઉપરના પાનમાં જોવા મળે છે.
• ઉપરના પાન પીળાશ પડતા જોવા મળે તથા પાનની શિરાઓ પણ પીળી દેખાય.
• છોડ ઠીંગણો રહે, થડ પાતળું જોવા મળે.
ઉપાય
• જમીનમાં સલ્ફર યુક્ત ખાતરો આપવા.
3.મધ્ય ભાગના પાન
મધ્ય ભાગના પાન એટલે કે છોડના ઉપરના અને જુના પાનની વચ્ચેના ભાગના પાન પર ઝીંકની ખામીના લક્ષણો જોવા મળે છે.
I.ઝીંક
કાર્ય
• ફોસ્ફરસ અને નાઇટ્રોજન ગ્રહણ કરવામાં મદદરૂપ છે.
• છોડમાં ફલિનીકરણ ક્રિયામાં ઉપયોગી છે.
ઉણપના લક્ષણો
• પાન પીળા પડે અને પાન પર કાટના ડાઘ દેખાય.
• પાન ખરી જાય તથા પાન નાના આકરના અને વધારે સંખ્યામાં (ઝૂમખામાં) આવે.
• ફળમાં દાણા ન બેસે.
ઉપાય
• જમીનમાં ઝીંક યુક્ત ખાતરો આપવા.
દા.ત, ઝીંક સલ્ફેટ
4.કૂપળ
કૂપળ એટલે કે છોડની ફૂટ કે જેમાંથી હજી પાન બનવાના બાકી હોય તે ભાગ પર ૨ પોષકતત્વોની ખામીના લક્ષણો વર્તાય છે.
I. કેલ્શિયમ
II. બોરોન
I.કેલ્શિયમ
કાર્ય
• છોડના મૂળની અને છોડની વૃદ્ધિ માટે જરૂરી છે.
• ફૂલ બનવાની પ્રક્રિયામાં ઉપયોગી છે.
• કોઈ તત્વની વધુ માત્રાની આડ અસર સામે રક્ષણ આપે છે.
ઉણપના લક્ષણો
• પાનની કૂપળ વળેલી જોવા મળે.
• ટોચના નવા પાન પીળા દેખાય તથા કિનારીઓ બળેલી જોવા મળે.
• ઉગતી કળી ખરી પડે
• છોડનો વિકાસ રૂંધાય.
ઉપાય
• જમીનમાં જિપ્સમ ખાતર આપવું.
II.બોરોન
કાર્ય
• પાકની વૃદ્ધિ અને પ્રજનન માટે જવાબદાર છે.
• મૂળની વૃદ્ધિ સારી થાય
• નાઇટ્રોજનના ઉપડમાં ઉપયોગી છે.
ઉણપના લક્ષણો
• છોડના ઉપરના કુમળા પાન ઝીણા રહે.
• પાન જાડા અને બરડ થઈ જાય.
• પાનની ટોચ અને ધાર બળવા
લાગે.
• કૂપળ ખરી પડે.
• ફળ ફૂલ ઓછા આવે અને ખરી પડે.
ઉપાય
• જમીનમાં બોરેક્સ ખાતર પાયામાં આપવુ.
#khedoot_help #poshaktatvo #ખાતર_વ્યવસ્થાપન #fertilizer
અમારી સાથે જોડાયેલ રહો👇
ખેડૂત હેલ્પ telegram channel
Post a Comment